કેપ્ટન રોહિત શર્માના કાર્યકાળ દરમિયાન એક એવી ઘટના બની છે જે છેલ્લા 12 વર્ષમાં બની ન હતી. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ હારી ગઈ છે. ઘરની ધરતી પર આ સતત ત્રીજી ટેસ્ટ મેચ છે જેમાં ભારતીય ટીમ જીતી નથી. આવું છેલ્લે 2012માં બન્યું હતું.
ઘરની ધરતી પર લગભગ 12 વર્ષ અને 44 ટેસ્ટ મેચ બાદ એવો સમયગાળો આવ્યો છે જ્યારે ભારતીય ટીમ સતત ત્રણ ટેસ્ટ મેચમાંથી એક પણ જીતી શકી નથી. આવું છેલ્લે 2012માં થયું હતું. તે સમયે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ હારી હતી અને એક મેચ ડ્રો રહી હતી. આ વખતે આવી ત્રણમાંથી બે ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે હતી. ભારત ઈન્દોર ટેસ્ટ હારી ગયું હતું, જ્યારે અમદાવાદ ટેસ્ટ ડ્રો રહી હતી. હવે ઇંગ્લેન્ડે આપણને હૈદરાબાદમાં હરાવ્યું છે.
વિરાટ કોહલીએ 2015માં ટેસ્ટ ટીમની આગેવાની સંભાળી હતી. 5 નવેમ્બર 2015ના રોજ, તેણે ભારતીય ધરતી પર ટેસ્ટમાં પ્રથમ વખત ટીમનું સુકાન સંભાળ્યું. તેના કાર્યકાળ દરમિયાન ભારતે પોતાની ધરતી પર 31 ટેસ્ટ મેચ રમી હતી. આ 31 મેચમાં એવું ક્યારેય બન્યું નથી કે ભારત સતત ત્રણ મેચ જીત્યું ન હોય.
વિરાટના નેતૃત્વમાં ભારતનો સૌથી લાંબો સમયગાળો 2 ટેસ્ટ મેચનો હતો. માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ અને તે પછી તરત જ શ્રીલંકા સામેની ટેસ્ટ ડ્રો રહી હતી. નોંધનીય બાબત એ છે કે તે મેચમાં પણ ભારત હાર્યું નથી.
હાલમાં ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓ માટે જગ્યા બનાવવાનો તબક્કો ચાલી રહ્યો છે. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ અને શ્રેયસ અય્યર જેવા યુવા ખેલાડીઓએ ચેતેશ્વર પૂજારા, ઈશાંત શર્મા અને અજિંક્ય રહાણે જેવા અનુભવી ખેલાડીઓની જગ્યા લીધી છે. કેપ્ટન રોહિત શર્માનું કહેવું છે કે ટીમ મેનેજમેન્ટ હવે યુવાનોમાં વિશ્વાસ બતાવીને ભવિષ્ય વિશે વિચારી રહ્યું છે. તેને ટ્રાન્ઝિશન ફેઝ કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ખેલાડીઓના એક સેટનું વિદાય લેવું અને મેદાન પર નવા સેટનું રમવું..!
ટ્રાન્ઝિશન ફેઝમાં હોવાથી ટીમમાં એકતાનો અભાવ હતો અને યુવા ખેલાડીઓની બિનઅનુભવીતાને કારણે ભારતને 10 મહિનામાં 2 હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાનો છેલ્લો ટ્રાન્ઝિશનનો તબક્કો 2011ના વર્લ્ડ કપ પછી આવ્યો હતો. ત્યારે કોહલી, રહાણે અને પૂજારાએ સંચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડનું સ્થાન લીધું હતું. રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ પણ તે સમયે હરભજન સિંહ અને પ્રજ્ઞાન ઓઝાની જગ્યા લીધી હતી.
2012ના ટ્રાન્ઝિશન તબક્કાની અસર એ થઈ કે ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં 2 ટેસ્ટ શ્રેણી 4-0થી હારી ગઈ. ભારતમાં પણ ટીમને ઇંગ્લેન્ડ સામે 2-1થી શ્રેણી હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીની આગેવાનીમાં પણ કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ ટીમમાં આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન વિરાટ, પૂજારા, રહાણે, અશ્વિન અને જાડેજાએ પોતાના અનુભવથી ટીમને વિખરવા ન દીધી.