લાલ માટીના રાજા તરીકે ઓળખાતો રાફેલ નડાલ ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગયો છે. 14 વખતના ચેમ્પિયન નડાલને ચોથા ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝવેરેવ સામે સીધા સેટમાં 6-3, 7-6 અને 6-3થી પરાજય મળ્યો હતો.
આ સાથે જ ભારતના નંબર-1 ટેનિસ ખેલાડી સુમિત નાગલને પણ પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને વિશ્વમાં નંબર 18 રશિયાના કેરેન ખાચાનોવે સીધા સેટમાં 6-2, 7-6, 6-0થી હાર આપી હતી. સિત્સિપાસ અને સિનરે અન્ય પુરૂષ સિંગલ્સ મેચ જીતી હતી. વુમન્સ સિંગલ્સમાં ટોચની ક્રમાંકિત ઇગા સ્વાઇટેક અને નાઓમી ઓસાકાનો વિજય થયો હતો.
14 વખતના ચેમ્પિયન રાફેલ નડાલ અને યુવા સ્ટાર એલેક્ઝાંડર ઝવેરેવ વચ્ચે પ્રથમ રાઉન્ડની મેચ 3 કલાક 5 મિનિટ સુધી ચાલી હતી. આમાં ગાઢ હરીફાઈ હતી. ઝવેરેવે પહેલો સેટ 6-3થી જીતીને મેચમાં સરસાઈ મેળવી લીધી હતી. મેચનો બીજો સેટ વધુ રોમાંચક રહ્યો હતો. આમાં બંને સ્ટાર્સ એક-એક પોઈન્ટ માટે લડતા જોવા મળ્યા હતા. ઝવેરેવે આ સેટ 7-6થી જીતીને પોતાની લીડ બમણી કરી હતી. ત્રીજો સેટ નડાલ માટે કરો અથવા મરોનો હતો, પરંતુ તે તેને બચાવી શક્યો નહીં અને 3-6થી હારી ગયો.