સુરત શહેરમાં કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં હજી પણ ગંદકી જોવા મળી રહી છે. ભલે સુરત શહેરે દેશમાં સ્વચ્છતા માટે નંબર વન ક્રમ મેળવી લીધું છે, પરંતુ એ વાસ્તવિકતા પણ સ્વીકારવા જેવી છે કે, હજી પણ કેટલાંક વિસ્તારોની નરક જેવી પરિસ્થિતિ છે. અસહ્ય ગંદકી અને ગટરોના વહેતા પાણી વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા છે.
ખુલ્લી ગટરો અને કચરાનો ઢગ જોવા મળ્યો
સુરત શહેરના કેટલાક પોસ્ટ વિસ્તારોને બાદ કરતા હજી પણ ગંદકી જોવા મળી રહી છે. તેનું જીવતું ઉદાહરણ વોર્ડ નં. 14 માં આવેલ ઉધરસભૌયાની વાડી, પાટીચાલ, નરસિંહ મંદિર ટેકરો, આંબાવાડી જેવા વિસ્તારો છે. આ વિસ્તારના દૃશ્યો જોતા એવું માનવામાં નહીં આવે કે, આ સુરત શહેર સ્વચ્છમાં નંબર વન પર હોય! ખુલ્લી ગટરો અને ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોએ ફરિયાદ કરતા આજે વિપક્ષના સભ્યોએ મુલાકાત લીધી હતી.
પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, સ્વચ્છતામાં સુરતનો પ્રથમ ક્રમ આવતા આપણે સૌ ખુશ છીએ, પરંતુ સુરતમાં જ અમુક લોકો આ નરક જેવી પરિસ્થિતિમાં રહેવા મજબૂર છે.ખુલ્લી ગટરો, શેરીઓ જ જાણે ગટર બની ગઈ હોય અને કચરાના ઢગલાઓથી અહીંના રહીશો ત્રાહિમામ છે. એટલી વિકરાળ પરિસ્થિતિ છે કે રોગચાળો ફાટી નીકળવાનો લોકોમાં ભય છે. સુરત મનપાનાં સત્તામાં રહેલા શાસકોને શહેરનાં સિક્કાની આ બીજી બાજુ પર પણ ધ્યાન આપવું જોઈએ. ફક્ત અમુક સારા સારા વિસ્તારોમાં ફરીને સંતોષ માની લેવું જરૂરી નથી કે બધું બરાબર છે.