પેટીએમની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશન્સ, પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડનાં તમામ ખાતાંને બીજી બેન્કોના હવાલે કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ, બીજી બેન્કો તેમાં રુચિ બતાવી રહી નથી. ઓછામાં ઓછી છ ખાનગી અને સરકારી બેન્કોના અધિકારી તેના માટે તૈયાર ન હતા.
RBIએ 31 જાન્યુઆરીના રોજ પીપીબીએલ વિરુદ્ધ સખત પગલાં લીધાં હતાં. તેની મોટી ભાગની સેવાઓ પર રોક લગાવવામાં આવી હતી. બેન્કના ગ્રાહકોને માત્ર પોતાના પૈસા ઉપાડવાની પરવાનગી છે. RBIના નિર્દેશ 29 ફેબ્રુઆરી બાદ લાગુ થઇ જશે.
દરમિયાન PPBLના બિઝનેસને હસ્તગત કરતા પહેલાં બેન્કોને RBIના સ્પષ્ટ દિશાનિર્દેશોની પ્રતીક્ષા છે. સોમવારે સતત ત્રીજા દિવસે શેરમાર્કેટમાં પેટીએમના શેરમાં કડાકો બોલી ગયો હતો. તે 10% ઘટીને 438.35 રૂ. બાદ લોઅર સર્કિટ લાગતા ટ્રેડિંગ રોકી દેવામાં આવ્યું હતું. અન્ય બેન્કોના વરિષ્ઠ અધિકારીઓ અનુસાર RBIની કાર્યવાહી બાદ તેઓ પેટીએમની સાથે ભાગીદારી કરવા માટે તૈયાર નથી. તેઓ આ અંગે આગળ વધતા પહેલાં RBI દ્વારા સખ્તાઇનું ચોક્કસ કારણ જાણવા માંગે છે.