રાજકોટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી અને ખાનગી પેઢીમાં નોકરી કરતી યુવતીના સોશિયલ મીડિયા પોસ્ટમાં યુવતીના ચારિત્ર અંગે આક્ષેપ કરી જાહેરમાં લાજ લૂંટવાની કોઇ શખ્સે ધમકી આપી હતી. પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આરોપીની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વીંછિયા પંથકની વતની અને રાજકોટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહીને ખાનગી પેઢીમાં ટેલિકોલર તરીકે નોકરી કરતી 24 વર્ષની યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઇન્સ્ટાગ્રામ આઇડીના ધારક એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.17 એપ્રિલના તેના ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશનમાં એક આઇડી પરથી મેસેજ આવ્યો હતો. યુવતી તે શખ્સને ઓળખતી નહીં હોવાથી પ્રત્યુત્તર આપ્યો નહોતો, ત્યારબાદ ફરીથી એક વખત મેસેજ આવ્યો હતો. બીજા દિવસે એ આઇડી ધારકે મેસેજમાં ગાળો ભાંડી હતી, જેથી યુવતીએ તે આઇડી બ્લોક કરી નાખી હતી.
થોડા દિવસ બાદ યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક પોસ્ટ મૂકી હતી જેમાં તે શખ્સે યુવતીના ચારિત્ર પર આક્ષેપ કર્યા હતા અને જાહેરમાં લાજ લૂંટવાની ચીમકી આપતા શબ્દો ઉચ્ચાર્યા હતા. યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.