રાજકોટમાં થેલેસેમિયા મેજર યુવક-યુવતી લગ્નના તાંતણે બંધાતા બન્નેના પરિવારજનો સહિતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. થેલેસેમિયાગ્રસ્ત દર્દીને બ્લડની જરૂર રહેતી હોય છે. ત્યારે થેલેસેમિયા મેજર કપલના લગ્નના દિવસે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો.
સોશિયલ મીડિયામાં એકબીજાના પરિચયમાં આવ્યા
રાજકોટના યુવક દુર્ગેશ અને મુંબઈની યુવતી મંગલ બન્ને સાત મહિના પહેલા સોશિયલ મીડિયામાં એકબીજાના પરિચયમાં આવ્યા હતા. એક બીજા સાથે પ્રેમ થયો અને બન્નેએ પોતાના પરિવારને જાણ કરી. પરિવારે પણ બન્નેને લગ્નના બંધનમાં બંધાવા માટે રાજી ખુશીથી હા પાડી.
વરરાજા દુર્ગેશ ગંગેરાએ જણાવ્યું હતું કે, મંગલ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયા બાદ પરિવારને જાણ થતા બંનેના પરિવારે લગ્ન માટે રાજી ખુશથી હા પાડતા ગંગેરા પરિવાર મુંબઈ ગયો અને મરાઠી-સાંવત પરિવાર રાજકોટ આવ્યો અને પછી બન્ને પરિવારે નવ યુગલનાં લગ્ન નકકી કર્યા.