આજે સપ્તાહના ચોથા દિવસે પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોની સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી ચાલુ રહેતાં બજારનું સેન્ટીમેન્ટ તેજીનું રહ્યું હતું. ભારતીય શેરબજારમાં ફંડો, મહારથીઓએ એચડીએફસી બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી સાથે ઓઈલ એન્ડ ગેસ શેરો તેમજ યુટિલિટીઝ અને એનર્જી શેરોની અગ્રેસરતામાં પાવર શેરોમાં ખરીદી કર્યા સાથે ઓટો, ટેલિકોમ્યુનિકેશન શેરોમાં આક્રમક તેજી કરી હતી. વિદેશી ફંડો તેમજ રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે ભારત તરફ વળતાં તેમજ લોકસભા ચૂંટણી આવી રહી હોવા સાથે ફુગાવાને અંકુશમાં રાખવાના સરકારના મક્કમ નિર્ધાર સાથે જીડીપી વૃદ્વિનો અંદાજ 7% મૂકવામાં આવતા ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી બાદ તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
બીએસઈ સેન્સેક્સ 227 પોઈન્ટના ઉછાળા સાથે 72050 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 98 પોઈન્ટના ઉછાળા સાથે 22015 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી, તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 350 પોઈન્ટના ઉછાળા સાથે 46440 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.93% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.24% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3938 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1504 અને વધનારની સંખ્યા 2354 રહી હતી, 80 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 12 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.