ગેસ સિલિન્ડર લીકેજ કેટલો ભારે પડી શકે છે એવી ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની છે. આ ગંભીર ઘટના એવી છે કે, માતા ભગવાનનો દીવો કરતી હતી અને પુત્ર લીકેજવાળો ગેસ સિલિન્ડર બદલતો હતો. આ વખતે જ આગ ફાટી નીકળતા માતા, પુત્ર અને પુત્રવધૂ આગની લપેટમાં આવી જતા દાઝી ગયાં હતાં. જેમાં માતાનું કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે પુત્ર અને પુત્રવધૂ દાઝ્યાં હતાં. માતાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં 58 વર્ષીય કમળાબેન કાંતિભાઈ ચલુડિયા પરિવાર સાથે રહેતાં હતાં. પરિવારમાં પતિ, દીકરો અને પુત્રવધૂ છે. સવારે કમળાબેન રસોડાની બાજુમાં આવેલા મંદિરમાં પૂજાપાઠ કરી રહ્યાં હતાં. દરમિયાન ગેસ સિલિન્ડર ખતમ થઈ જતા બદલવા માટે પુત્ર અંકિત નવો સિલિન્ડર લઈ આવ્યો હતો.
કમળાબેનનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પુત્ર અંકિત અને પુત્રવધૂ સામાન્ય દાઝ્યાં હોવાથી તેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. કમળાબેનના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. કમળાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.