મહા મહિનાના સુદ પક્ષની એકાદશી આજે એટલે કે મંગળવારના રોજ છે. જેને જયા, અજા અને ભીષ્મ એકાદશીના નામે ઓળખવામાં આવે છે. સ્કંદ, પદ્મ અને વિષ્ણુ પુરાણ પ્રમાણે આ એકાદશીએ વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે પાપ દૂર થઈ જાય છે.
ગુજરાતી પંચાંગના એક મહિનામાં બે પક્ષ આવે છે. એક પક્ષમાં એક એકાદશી આવે છે. આ પ્રકારે 12 મહિનામાં કુલ 24 એકાદશી આવે છે. જ્યારે અધિકમાસ આવે છે ત્યારે 26 એકાદશી આવે છે. બધી એકાદશીઓનું મહત્ત્વ સ્કંદ પુરાણના એકાદશી મહાત્મ્ય અધ્યાયમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એકાદશીએ વ્રત કરવામાં આવે છે અને વિષ્ણુ પૂજા પછી બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે.
એકાદશીએ ભગવાન વિષ્ણુનું લક્ષ્મીજી સાથે પૂજન કરો. અભિષેક કરો. દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને અભિષેક કરો. પૂજામાં ફળ-ફૂલ, ગંગાજળ, ધૂપ-દીપ અને પ્રસાદ અર્પણ કરો. દિવસમાં એક સમયે ફળાહાર કરો. રાત્રે ભગવાન વિષ્ણુ સામે દીવો પ્રગટાવો. ભગવાનના મંત્રોનો જાપ કરો. બીજા દિવસે એટલે બારસ તિથિએ કોઈ બ્રાહ્મણને દાન-દક્ષિણા આપો. તે પછી ભોજન ગ્રહણ કરો. આ વ્રતમાં કોઈપણ પ્રકારના ગરમ વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.