Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે અને સમયાંતરે અકસ્માત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે, કહેવત છે કે, 'રામ રાખે તેને કોણ ચાખે' ગઈકાલે રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં આ કહેવતને સાર્થક કરતી એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક ટ્રકની અડફેટે આવતા બાઈકનો બુકડો બોલી ગયો હતો. જોકે, આ બાઈક પર સવાર પિતા-પુત્રનો આબાદ બચાવ થયો હતો. શહેરના સ્ટેશન રોડ પર સર્જાયેલા આ વિચિત્ર અકસ્માતનાં CCTV હાલ સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીનાં સ્ટેશન રોડ પર આવેલ મહાકાળી લોજ પાસે એક પિતા અને પુત્ર તેના બાઇકમાં બેસી કામ માટે જઈ રહ્યા હતા. તેઓ ચોકમાં જ બાઈક ઉભું રાખી રસ્તો ક્લિયર થવાની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની જમણી બાજુએથી આવતા ટ્રકે વળાંક લીધો હતો અને તેઓ કંઈપણ સમજે તે પૂર્વે જ બાઇકને અડફેટે લઈ લેતા બાઈકનો કડુસલો બોલી ગયો હતો. જોકે, સમયસૂચકતા વાપરીને પિતા-પુત્ર બંને નીચે ઉતરી જતા થોડી ક્ષણોમાં બંનેનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માતનાં CCTV પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સ્ટેશન રોડ પરની મહાકાળી લોજ પાસે બાઈક સવાર પિતા-પુત્ર સામેની તરફ જવા માટે રસ્તો ખુલ્લો થવાની રાહ જોઈ રહ્યા છે. બરાબર આ સમયે સીધો જઈ રહેલો એક ટ્રક તેમની તરફ આવી જાય છે અને ગણતરીની સેકંડોમાં તેમના બાઈક ઉપર ફરી વળે છે. જોકે, આ પહેલા બાઈક સવાર પિતા-પુત્ર નીચે ઉતરી જાય છે. આ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ ટ્રક ચાલકને ઝડપી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.