હું જ્યારે 3 વર્ષની હતી ત્યારે મારા પપ્પા મારા દાદાને ગોલ્ફ શિખવાડતા હતા. તો હું ત્યાં ગઈ અને કહ્યું કે, મારે પણ શીખવું છે, પહેલા તો એમણે મને ના પાડી, કેમ કે 3 વર્ષની છોકરીને કોણ ગોલ્ફ શિખવાડે? પણ મારા દાદાએ કહ્યું કે, 'શીખવા દો એને....' એમણે મારા હાથમાં જુનિયર ગોલ્ફ સ્ટિક આપી અને બોલ હિટ કરવા કહ્યું. મે શૉટ માર્યો અને એમને મારામાં ટેલેન્ટ દેખાયું. એ પછી તો એમણે મારા માટે કોચ પણ રાખ્યો અને બસ મારી ગોલ્ફ જર્ની શરૂ થઈ. ગોલ્ફની જર્ની શરૂઆતથી જ દમદાર રહી હતી અને 6 વર્ષની ઉંમરે તો મને ગોલ્ફની પહેલી ટુર્નામેન્ટ પણ રમવા મળી હતી.'
અમારી સામે બેસીને આ વાત કરી રહી છે ઈન્ડિયાની સૌથી નાની ઉંમરની ગોલ્ફર અવનિ પ્રશાંત... જે તાજેતરમાં જ LET 'એક્સેસ સિરીઝ - લેડીઝ યુરોપિયન ટૂર'માં એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બની ચૂકી છે. અવનિની ઉંમર અત્યારે માત્ર 16 વર્ષ છે. આટલી નાની ઉંમરે ગોલ્ફમાં સિદ્ધિ મેળવનાર તે પહેલી ભારતીય હોવાના બિરૂદની હકદાર બની છે. સપ્ટેમ્બરમાં ચીનમાં યોજાનાર એશિયન ગેમ્સમાં પણ તે ભારતીય ગોલ્ફ ટીમનો હિસ્સો બનવા જઈ રહી છે. અવનીનિ માત્ર 16 વર્ષની ઉંમરે આટલી મોટી સિદ્ધિ મેળવવા સુધીની જર્ની જાણવા અવની સાથે મુલાકાત કરવામાં આવી. તો આવો નાની ઉંમરે મળેલી આટલી મોટી સિદ્ધિ વિશે, તેની મહેનતને મળેલા પ્રોત્સાહન વિશે અને ગોલ્ફ વિશે શું કહે છે અવનિ, સાંભળીએ તેની પાસેથી...
અવનિ અત્યારે માત્ર 16 વર્ષની છે, તો એ ભણતરની સાથે ગોલ્ફને કઈ રીતે મેનજ કરે છે? એ વિષે પૂછતાં અવનિ જણાવે છે કે, 'હાલમાં હું 11મા ધોરણમાં છું, સ્કૂલએ જઉ છું પણ સ્કૂલ મારા કરિયરને પણ ખૂબ જ સપોર્ટ કરે છે. મારે જ્યારે પણ કોઈ ટુર્નામેન્ટમાં જવાનું થાય તો તેઓ હંમેશા મને પરમિશન આપી દે છે. અને જો ક્યારેક સ્પોર્ટ્સના કારણે મારી એક્ઝામ મિસ થાય તો તેઓ મારા માટે એક્ઝામનું પણ ટુર્નામેન્ટ પછી આયોજન કરી આપે છે. જેનાથી મને ઘણો ફાયદો થયો છે.'