રાજય સરકારોના પ્રયાસોથી રાજકોટના ઐતિહાસિક સ્મારકોને પુન: સંરક્ષિત કરી જીવંત બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે પ્રવાસન મંત્રી મૂળુ બેરાની અધ્યક્ષતામાં રાજકોટની શાન સમાન ઐતિહાસિક 144 વર્ષ જૂના જામ ટાવરને પુન: સંરક્ષિત કરવામાં આવતા ફરી ઘંટનાદ ગૂંજી ઉઠ્યો હતો. આ સાથે જ જૂની સાંકળી ગામના સાંકળેશ્વર મહાદેવને પુનઃ સંરક્ષિત કરવામા આવ્યા હતા. આ તકે રાજકોટ શહેરના 135 વર્ષ જૂના વોટસન મ્યુઝિયમને અદ્યતન બનાવવાનો માટેનો સંકલ્પ લેવાયો હતો તો જિલ્લાના 12 ઐતિહાસિક સ્મારકોના જીર્ણોધ્ધારનું અભિયાન ચાલી રહ્યું હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતુ.
રાજ્ય રક્ષિત સ્મારક અને પુનઃસંરક્ષિત કરાયેલા રાજકોટની શાન સમા જામટાવરનું રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરા, મેયર નયનાબેન પેઢડિયા, સંસદ સભ્ય રામ મોકરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં જામટાવરને પુન: સંરક્ષિત કરાતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય દર્શિતાબેન શાહે જણાવ્યુ હતું કે, જે વ્યક્તિ પોતાના ભૂતકાળને સાચવી નથી શકતો તે તેના ભવિષ્ય માટે કશું મેળવી નથી શકતો ત્યારે આપણા ઐતિહાસિક વારસાને સાચવવાનો સૌપ્રથમ પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. વર્ષ 2008માં આ જામ ટાવરને પુનઃ સંરક્ષિત કરી લોકોને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ અર્પણ કર્યો હતો. આ ઐતિહાસિક વારસાને સાચવવાના વડાપ્રધાનના સ્વપ્નને બળ આપતું એક વધુ પગલું એટલે રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલ કે જે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું રાષ્ટ્રીય કક્ષાનું સ્મારક બન્યું છે. ઐતિહાસિક સ્મારકો સાંસ્કૃતિક ધરોહરના પ્રતીકો છે. આગામી સમયમાં રાજકોટના 135 વર્ષ જૂના વોટસન મ્યુઝિયમને પણ અદ્યતન બનાવી,ઇતિહાસને જીવંત કરનાર સ્થળ બનાવવામાં આવશે.