Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં ડિસેમ્બર મહિના દરમિયાન ક્રૂડ ઓઇલની કિંમતોમાં સ્થિરતા તેમજ યુએસમાં ફુગાવામાં રાહતને પગલે વિદેશી રોકાણકારોએ ગત મહિને રૂ.36,200 કરોડના રોકાણ બાદ સતત બીજા મહિને દેશના ઇક્વિટી માર્કેટમાં રૂ. 10,555 કરોડનું રોકાણ કર્યું છે. વિદેશી રોકાણકારોએ દેશના ઇક્વિટી માર્કેટ પ્રત્યે પોઝિટિવ મોમેન્ટમ દર્શાવ્યું છે.

આગામી સમયમાં વૈશ્વિક સ્તરે અનેક દેશોની સેન્ટ્રલ બેન્કો ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજદરોમાં સતત વધારાનું વલણ દર્શાવે તેવી શક્યતાને કારણે ઇક્વિટી માર્કેટમાં વોલેટિલિટીને કારણે FPIના રોકાણ પ્રવાહમાં પણ વોલેટિલિટી જોવા મળશે તેવી શક્યતા કોટક સિક્યોરિટીઝ લિમિટેડના ઇક્વિટી રિસર્ચના હેડ શ્રીકાંત ચૌહાણે દર્શાવી હતી. તદુપરાંત, યુએસ બોન્ડ યીલ્ડ તેમજ ડોલર ઇન્ડેક્સમાં જોવા મળનારા ટ્રેન્ડ્સ જેવા વૈશ્વિક પરિબળો પર પણ મૂડી પ્રવાહ નિર્ભર રહેશે. આ દરેકનો આધાર એકંદરે યુએસમાં ફુગાવાના ચિત્ર પર રહેશે તેવું જીયોજીત ફાઇનાન્સિયલ સર્વિસીઝના મુખ્ય રોકાણ સ્ટ્રેટેજીસ્ટ વી.કે. વીજયકુમારે જણાવ્યું હતું.

ડિપોઝિટરી ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ 1 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર વચ્ચે ઇક્વિટીમાં કુલ રૂ.10,555 કરોડનું રોકાણ કર્યું છે. અગાઉ નવેમ્બરમાં ડોલરમાં નરમાઇ તેમજ અન્ય મેક્રોઇકોનોમિક ટ્રેન્ડને કારણે ઇક્વિટી માર્કેટમાં રૂ.36,200 કરોડનું જંગી રોકાણ જોવા મળ્યું હતું. તે અગાઉ વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર અને સપ્ટેમ્બરમાં અનુક્રમે રૂ.8 કરોડ અને રૂ.7,624 કરોડ પાછા ખેંચ્યા હતા.