રિટેલ માર્કેટ 24 કલાક ખુલ્લું રાખવાની વપરાશ પર સીધી અસર જોવા મળી રહી છે. તેને કારણે લોકો રાતના શૉપિંગ પર 60% વધુ ખર્ચ કરી રહ્યા છે. તે ઉપરાંત ખરીદી પણ અંદાજે 30% વધી જાય છે. દેશમાં અત્યાર સુધી સાત રાજ્યોમાં રિટેલ માર્કેટ 24 કલાક ખુલ્લુ રાખવાની અનુમતિ આપવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, હરિયાણા અને નવી દિલ્હી સામેલ છે. મધ્યપ્રદેશના ભોપાલમાં તેની અનુમતિ આપવાની વાતચીત ચાલી રહી છે. તેને કારણે વપરાશ એ માટે જ વધે છે કારણ કે લોકોને રોજનું કામ પૂર્ણ કર્યા બાદ શૉપિંગ કરવા માટે વધારાનો સમય મળે છે.
ચેકઆઉટ પ્લેટફોર્મ સિંપલના ચેકઆઉટ સ્કેન રિપોર્ટ અનુસાર, રાત્રે 10 વાગ્યાથી લઇને સવારે 4 વાગ્યા વચ્ચે કરવામાં આવેલી શૉપિંગ માટે કુલ પેમેન્ટ એક વર્ષમાં 60% વધ્યું છે. ક્વિક-કોમર્સ, ફુડ-બેવરેજ અને મોબિલિટી જેવા સેગમેન્ટમાં આ વૃદ્ધિ સૌથી વધુ જોવા મળી છે. જે રાજ્યોમાં મોડી રાત સુધી શોપિંગની છૂટ છે, ત્યાંના નાના શહેરોમાં આ ટ્રેન્ડ તેજીથી વધી રહ્યો છે.
મોડી રાત્રે ખરીદી કરવામાં યુવાઓની ભાગીદારી સૌથી વધુ જોવા મળી હતી. લગભગ બે તૃતીયાંશ લેટ નાઇટ શોપર્સ મિલેનિયલ્સ (28-43 વર્ષ) અને જેન જી(14-34 વર્ષ) છે. તેમાં અડધાથી વધુ હિસ્સો મહિલાઓનો છે. રિપોર્ટ અનુસાર દેશમાં ઇન-હાઉસ પાર્ટી આપવાનું ચલણ વધી રહ્યું છે. તેનાથી લેટનાઇટ રિટેલ સેગમેન્ટને વેગ મળી રહ્યો છે. ખાસ કરીને વીકેન્ડ આ ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે.