રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે 24 વર્ષીય ડેનિશ ઠુમ્મર નામના યુવાન સામે ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. યુવાન દ્વારા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતું કન્ટેન્ટ શેર કરવામાં આવ્યું હતું. જે બાદ યુવાનના મોબાઈલ ફોનને FSLમાં મોકલી ખરાઈ કરતા તેમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતી ઇમેજીસ, વોટ્સએપ ચેટ, વેબ હિસ્ટ્રી મળી આવી હતી. હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આઇટી એક્ટ કલમ 67(બી) હેઠળ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI કે.પી.જાદવએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સાયબર ક્રાઈમ પો.સ્ટે.માં સોશિયલ મીડિયા ટીમ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવુ છું અને સોશિયલ મીડિયા મોનિટરીંગ અને ટીપલાઇનને લગતી કામગીરી સંભાળુ છું. 17/08/2020ના પેન્ડિંગ તપાસના કાગળો તા.17/03/2024ના રોજ અમારા પીઆઇ દ્વારા લેખીત હુકમ સાથે મને સોંપવામાં આવેલ જે કાગળો તપાસતાં તેમાં સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરથી આવેલ ટીપલાઇન રીપોર્ટની માહીતી મુજબ એક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. મળી આવી હતી. જેમાં આ વ્યક્તિએ તા.05/04/2019ના 12.31 વાગ્યે ચાઈલ્ડ પોર્નોગ્રાફિનો વીડિયો પોતાના મોબાઇલ નંબર પરથી વાપરતા ઇન્સ્ટાગ્રામ મારફતે અપલોડ/શેર કરેલો હતો. જેથી ડેનિશ વિનોદભાઈ ઠુમ્મરને રૂબરૂ બોલાવી તેઓનો મોબાઈલ ફોન તપાસના કામે જે તે વખતે ટીપલાઈન ડેટાની માહિતી મેળવવા માટે FSL ગાંધીનગર ખાતે મોકલાવેલ હતો.