શહેરમાં હાર્ટએટેકથી મૃત્યુના વધુ બે કિસ્સા બન્યા છે, ધુળેટીના દિવસે આત્મિય કોલેજના એમબીએના વિદ્યાર્થીનું હાર્ટ ફેલ થઇ ગયું હતું, યુવક માતા-પિતાનો એકનો એક પુત્ર હતો, જ્યારે હોળીની રાત્રે વેલનાથપરામાં મહિલાનું હદય બેસી ગયું હતું.
મવડી વિસ્તારના સ્વામિનારાયણપાર્કમાં રહેતો કશ્યપ જગદીશભાઇ ખીરા (ઉ.વ.22) ધૂળેટીના દિવસે બપોરે ત્રણેક વાગ્યે પોતાના ઘરે બેભાન થઇ ઢળી પડતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, જગદીશભાઇ ફેક્ટરીમાં નોકરી કરે છે, કશ્યપ તેમનો એકનો એક પુત્ર હતો અને એમબીએનો અભ્યાસ કરતો હતો. પુત્રનાં મોતથી ખીરા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
અન્ય એક કિસ્સામાં મોરબી રોડ પરના વેલનાથપરામાં રહેતા મંજુલાબેન દેવજીભાઇ પારઘી (ઉ.વ.51) હોળીની રાત્રે પોતાના ઘરે બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલે લઇ જવાયા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, મંજુલાબેનના મૃત્યુથી તેમની ત્રણ પુત્રી અને એક પુત્રએ માતાની હૂંફ ગુમાવી હતી. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.