ICC ટેસ્ટ ટીમોને 2 ડિવિઝનમાં વહેંચવાની તૈયારી કરી રહ્યું છે. એક ડિવિઝનમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમ હશે. આઈસીસીની યોજના છે કે મોટી ટીમોએ એકબીજા સાથે વધુ શ્રેણી રમવી જોઈએ. જો આ સ્કીમ મંજૂર થશે તો 2027 પછી તેનો અમલ થશે. 2027 સુધીનું શિડ્યૂલ પહેલેથી જ નક્કી છે.
ઓસ્ટ્રેલિયન અખબાર ધ સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ મુજબ, આઈસીસી અધ્યક્ષ જય શાહ ત્રણેય બોર્ડ (BCCI, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ECB) સાથે મળીને ઈચ્છે છે કે આ ત્રણ મોટા દેશો એકબીજા સાથે શક્ય તેટલું ટેસ્ટ ક્રિકેટ રમે. આ સાથે આ ટીમો વચ્ચે દર ત્રણ વર્ષે 5-5 ટેસ્ટ મેચોની બે શ્રેણી યોજાશે. હાલમાં તેમની વચ્ચે દર 4 વર્ષે બે સિરીઝ થાય છે.
આઈસીસી અધ્યક્ષ જય શાહ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ માઈક બેર્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ચીફ રિચર્ડ થોમ્પસન સાથે બેઠક કરી શકે છે. બે સૂત્રોને ટાંકીને અખબારે દાવો કર્યો છે કે ટેસ્ટ ક્રિકેટમાં 2-સ્તરીય માળખાનો મુદ્દો આ બેઠકના એજન્ડામાં સામેલ છે.
ટેસ્ટ ક્રિકેટમાં 2 ટિયર સિસ્ટમનો ખ્યાલ 2016માં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, ઘણા દેશોના વિરોધને કારણે આ યોજનાને રોકી દેવામાં આવી હતી. વિરોધ કરી રહેલા દેશોની દલીલ છે કે તેનાથી તેમની ટીમોને ટેસ્ટ મેચ રમવાની ઓછી તક મળશે. વિરોધ કરી રહેલા દેશોને પણ ભારતનું સમર્થન મળ્યું હતું.