શહેરમાં વધુ એક છેતરપિંડીના બનાવની ભીડભંજન સોસાયટી-4માં રહેતા અને સૂર્યદીપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામથી વ્યવસાય કરતા યજ્ઞરાજસિંહ નનકુભાઇ બસિયાએ કેવડાવાડીના લક્કી ઠક્કર, વિષ્ણુવિહારના દિવ્યરાજસિંહ ઇન્દુભા ઝાલા, લક્ષ્મીવાડીના સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે. ગત જાન્યુઆરી મહિનામાં મિત્ર લક્કી અને દિવ્યરાજસિંહ પોતાની ઘરે આવ્યા હતા. અને લક્કીએ લગ્નમાં મહેમાનોને લેવા મૂકવા માટે ચાર દિવસ કાર જોઇતી હોવાની વાત કરી હતી. જેથી મિત્રતાના દાવે કાર તેને આપી હતી. કાર આપ્યા બાદ પોતે પણ બહારગામ હોય દસ દિવસ પછી પરત રાજકોટ આવી લક્કીને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. ત્યાર બાદ લક્કી રૂબરૂ મળતા તેણે તમારી કાર મેં ગીરવે મૂકી છે. સાંજે હું પૈસા આપી કાર લઇ આવી તમને પરત કરી જઇશની વાત કરી હતી. તેમ છતાં સાંજ સુધી તે કાર દેવા આવ્યો ન હતો.
દરમિયાન કારમાં જીપીએસ સિસ્ટમ લગાડેલી હોય કાર લક્ષ્મીવાડીના સંજયસિંહના ઘરનું લોકેશન બતાવતા પોતે ત્યાં ગયો હતો. સંજયસિંહ સાથે વાત કરતા લક્કી અને દિવ્યરાજ કાર ગીરવે મૂકી બે લાખ રૂપિયા લઇ ગયા છે. તમારે ગાડી જોઇતી હોય તો તમે મને એક લાખ આપો એટલે કાર તમને આપી દેવાની વાત કરી હતી. જેથી મેં તેને ના પાડી હતી. ત્યાર બાદ કારમાંથી જીપીએસ સિસ્ટમ બંધ કરી દઇ સગેવગે કરી નાંખતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.