ઇક્વિટી માર્કેટમાં ભલે 2022ની શરૂઆતથી નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હોય પરંતુ પ્રાઇમરી માર્કેટમાં ધીમી પરંતુ સંગીન સ્થિતી જોવા મળી છે. ચાલુ નાણાંકિય વર્ષના પહેલા છ માસમાં 14 કંપનીઓએ મેઇન બોર્ડ પર આઇપીઓ દ્વારા રૂ. 35456 કરોડ એકત્ર કર્યા હતા જે એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીએ 32 ટકા ઓછી છે.
ગતવર્ષે આ સમયમાં 25 કંપનીઓએ રૂ. 51,979 કરોડ એકત્ર કર્યા હતા. પરંતુ પ્રાઇમ ડેટાબેઝ મુજબ આઈપીઓ પાઇપલાઇન મજબૂત છે જેમાં રૂ. 105,000 કરોડના 71 ઇશ્યૂને સેબીની મંજૂરી મળી છે અને રૂ. 70000 કરોડના અન્ય 43 કંપનીઓ મંજૂરીની રાહમાં છે. આમ કુલ 114 માંથી 10 ન્યુએજ ટેક્નોલોજી કંપનીઓ છે જે અંદાજે રૂ.35000 કરોડ એકત્ર કરવા માંગે છે. વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એકત્ર કરાયેલી કુલ રકમના 58 ટકા જેટલો હિસ્સો રૂ. 20557 કરોડના LIC ઈશ્યૂ માટે ન હોત તો એકંદર કલેક્શન ઘણું ઓછું રહ્યું હોત.
પ્રાઈમ ડેટાબેઝ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાએ જણાવ્યું કે એકંદર પબ્લિક ઇક્વિટી ફંડ રેઇઝિંગ પણ આ સમયગાળા દરમિયાન રૂ. 92191 કરોડથી 55 ટકા ઘટીને રૂ. 41,919 કરોડ થયું હતું. જ્યારે LIC ઇશ્યૂ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો રૂ. 20557 કરોડ હતો.
મેઇન બોર્ડ કરતા રોકાણકારોને SME IPOમાં ક્રેઝ
મેઇનબોર્ડની તુલનાએ એસએમઇ આઇપીઓમાં રોકાણકારોનો વધુ ક્રેઝ જોવા મળ્યો છે. આ વર્ષે લિસ્ટેડ SME IPOએ જંગી રિટર્ન આપતાં રિટેલ રોકાણકારની માનસિકતા બદલાઈ છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં લિસ્ટેડ 68 SME કંપનીઓમાંથી 46માં 20%થી 600% સુધી રિટર્ન જોવા મળ્યું છે. આગામી બે-ત્રણ માસમાં અનેક કંપનીઓ એસએમઇ આઇપીઓ લઇને પ્રવેશ કરી રહી છે.