રાજકોટના બે સહિત અમદાવાદ, વડોદરા ઉપરાંત રાજ્યભરમાં આવેલા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના કોચિંગ ક્લાસ પર દરોડા પાડવામાં આવ્યા છે. 40 સ્થળે ગુરુવાર મોડી સાંજ બાદ એકસાથે કાર્યવાહી કરવામાં આવી હતી. મોડી રાત સુધી તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. કેટલાક કોચિંગ ક્લાસના સંચાલકો તૈયારી માટે આવતા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા દેખાડતા હોવાની વ્યાપક ફરિયાદો મળ્યા બાદ જીએસટીએ દરોડાના દોર શરૂ કર્યાનું જાણવા મળે છે. તપાસના અંતે લાખો રૂપિયાની કરચોરી ઝડપાય તેવી પણ સંભાવના છે.
રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા આઈસીઈ અને આકાશવાણી ચોકમાં ચિરાગ નામની વ્યક્તિને ત્યાં જીએસટીના અધિકારીઓ ગુરુવારે સાંજ બાદ તપાસ માટે પહોંચ્યા હતા. રાત્રીના 11 વાગ્યા સુધી તપાસ ચાલુ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. રાજકોટ ઉપરાંત અમદાવાદમાં લિબર્ટી અને પ્રાયુજ્ય સહિતના કોચિંગ ક્લાસ પણ ઝપટે ચડ્યા છે. કુલ 40 સ્થળે એકસાથે તપાસ શરૂ કરવામાં આવી છે. જે કોચિંગ ક્લાસીસ પર શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા છે ત્યાં કમ્પ્યૂટર અને હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી અને કેટલો કર ભરવામાં આવે છે તે અંગેની ચકાસણી મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવી હતી. જીએસટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવાર સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને લાખો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. કોચિંગ ક્લાસના પૂર્વ વિદ્યાર્થીએ જ દરોડાનું પેપર ફોડી નાખ્યું જીએસટીમાં ટેક્સ ઈન્સ્પેક્ટર સહિતની ઘણી વર્ગ-2 અને વર્ગ-3ની જગ્યાઓ હોય છે જેમાં સ્ટેટ જીએસટી ભરતી કરતી હોય છે. આ ભરતી માટે ઉમેદવારો અલગ અલગ કોચિંગ ક્લાસમાં જતા હોય છે અને સફળ થતા જીએસટી વિભાગમાં કારકિર્દી બનાવતા હોય છે.