રાજકોટની ઝનાના હોસ્પિટલમાં 17 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપ્યો છે. ઓક્ટોબર 2023માં આરોપી જીતેન્દ્ર પાસવાન સગીરાનું અપહરણ કરી લઇ ગયો હતો અને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આરોપી ઝડપાયો ત્યારે જ સગીરા ગર્ભવતી હતી અને આરોપી પાસેથી મુક્ત કરાયા બાદ સગીરાને કાઠિયાવાડ બાલાશ્રમમાં રાખવામાં આવી હતી, જ્યાં પ્રસુતિની પીડા ઉપડતા ગઇકાલે કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો.
17 વર્ષીય સગીરાના પિતાએ તા. 6 ઓક્ટોબર 2023ના રોજ એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તે બામણબોર GIDCની એક કંપનીમાં ડ્રાઇવિંગ કામ કરે છે. મૂળ જાંબુઆ મધ્યપ્રદેશના છે અને હાલ રામપરા બેટી ગામ નજીકના વિસ્તારમાં આવેલી એક કંપનીની બાજુમાં ઓરડીમાં ભાડે રહે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં એક પુત્રી 16થી 17 વર્ષની છે. બે પુત્ર છે. જેમા મોટો 10 વર્ષનો અને નાનો 7 વર્ષનો છે. મારી પત્ની તથા મારી પુત્રી પાંચ વર્ષથી બામણબોર GIDCમાં મજુરી કામ કરતા હતા.
ગઈ તા. 6 ઓક્ટોબર 2023ના સવારના હું પરિવારના સભ્યો સાથે ઓરડીમાં સૂતો હતો. સવારે 3 વાગ્યાના અરસામાં હું તથા મારા પત્ની જાગેલ જોયું તો પુત્રી ઓરડીમાં જોવા મળી નહી. તેને શોધી પણ મળી નહીં. મારા પત્નીએ જણાવ્યું કે, આપણી પુત્રી જીતેન્દ્રકુમાર પાસવાન નામના શખ્સ સાથે ઘણી વખત ફોન પર વાતો કરતી હતી. તેને જીતેન્દ્રએ એક ફોન પણ આપ્યો હતો. જેથી આ જીતેન્દ્રકુમાર લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદે અમારા કાયદેસરના વાલીપણામાંથી સગીર દીકરીને અપહરણ કરી લઇ ગયેલ હોઇ ફરિયાદ નોંધાવી હતી.