વુમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં આજે ટૂર્નામેન્ટની ત્રીજી ડબલ હેડર રમાઈ રહી છે. સોમવારની પ્રથમ મેચમાં યુપી વોરિયર્સની ટીમે ગુજરાતને 3 વિકેટે હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં દિલ્હી કેપિટલ્સને 110 રનનો ટાર્ગેટ મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સે એકતરફી રીતે જીત મેળવી હતી. દિલ્હી કેપિટલ્સે આ ટાર્ગેટ 9 ઓવરમાં જ 1 વિકેટે ચેઝ કરી લીધો હતો. ટીમ તરફથી એલિસ કેપ્સીએ 224ની સ્ટ્રાઈક રેટથી 17 બોલમાં 38* રન ફટકાર્યા હતા. આ આતશી ઇનિંગમાં તેણે 1 ચોગ્ગો અને 5 છગ્ગા માર્યા હતા. તો શેફાલી વર્માએ 15 બોલમાં 32 રન બનાવ્યા હતા. કેપ્ટન મેગ લેનિંગે 22 બોલમાં 32* રન કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી એકમાત્ર વિકેટ હેલી મેથ્યૂઝને મળી હતી.
પ્લેઑફની રેસ હવે રોમાંચક બની ગઈ છે. જે ટીમ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા નંબરે રહેશે, તે સીધી ફાઈનલમાં જગ્યા બનાવશે. ત્યારે આજની જીત પછી દિલ્હી કેપિટલ્સે મુંબઈને પછાડીને પહેલા સ્થાને પહોંચી ગયું છે. હવે આવતીકાલે ચોથી ડબલ હેડર છે, તેમાંથી બેંગ્લોર Vs મુંબઈ અને યુપી Vs દિલ્હી વચ્ચે મુકાબલો છે.