વ્લાદિમીર પુતિન 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. પુતિને મોસ્કોના ગ્રાન્ડ ક્રેમલિન પેલેસમાં 33 શબ્દમાં શપથ લીધા હતા. આ એ જ જગ્યા છે, જ્યાં રશિયાના ઝાર પરિવારના ત્રણ રાજા (એલેક્ઝાન્ડર II, એલેક્ઝાન્ડર III અને નિકોલસ II)ની તાજપોશી થઈ હતી.
શપથ બાદ પુતિને કહ્યું, "અમે વધુ મજબૂત બનીશું. જે દેશો અમને દુશ્મન માને છે તેમની સાથે અમે અમારા સંબંધો મજબૂત કરીશું. હું જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે શક્ય એટલું બધું કરીશ." રશિયામાં 15-17 માર્ચે યોજાયેલી ચૂંટણીમાં પુતિનને 88% વોટ મળ્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી નિકોલે ખારીતોનોવને માત્ર 4% મત મળ્યા.
અમેરિકા, બ્રિટન અને ઘણા યુરોપિયન દેશોએ રશિયામાં આયોજિત આ સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. પુતિને આ પહેલાં વર્ષ 2000માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ તેઓ 2004, 2012 અને 2018માં પણ રાષ્ટ્રપતિ બન્યા હતા.