આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તું થઈ શકે છે. એટલે કે, દિલ્હીના હિસાબે તેની કિંમત 75 રૂપિયા પ્રતિ લિટર થઈ શકે છે.
ગઈકાલે એટલે કે 22મી જૂને નાણામંત્રી નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની બેઠક યોજી હતી. જેમાં નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર છે. હવે આ અંગે રાજ્યોએ નિર્ણય લેવાનો છે. રાજ્યોએ સાથે મળીને તેના દર નક્કી કરવા પડશે.
હાલમાં, જ્યારે તમે દિલ્હીમાં 94.72 રૂપિયાનું એક લિટર પેટ્રોલ ભરો છો, ત્યારે તેમાંથી 35.29 રૂપિયા ટેક્સ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારોના ખિસ્સામાં જાય છે. એટલે કે તમને માત્ર 59.43 રૂપિયાનું પેટ્રોલ મળ્યું. આનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર પડે છે, સાથે જ સરકારની તિજોરી છલોછલ ભરાય છે.