ખેડૂતથી તમારા સુધી પહોંચતા-પહોંચતાં ટામેટા, બટાકા અને ડુંગળી જેવી શાકભાજીના ભાવ લગભગ ત્રણ ગણા થઈ જાય છે. ગ્રાહક જે ભાવે શાકભાજી ખરીદે છે, તેનો માત્ર એક તૃતિયાંશ હિસ્સો જ ખેડૂતોને મળે છે. બાકીની 66% રકમ ટ્રેડર, જથ્થાબંધ વેપાર અને છૂટક વિક્રેતાના ખિસ્સામાં જઈ રહ્યો છે. આ વાત બીજા કોઈએ નહીં ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ કહી છે.
કેન્દ્રીય બેંકનું માનવું છે કે દર વર્ષે કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત છૂટક મોંઘવારીનું સમગ્ર ગણિત ટામેટો, ઓનિયન અને પોટેટો એટલે કે TOP બગાડે છે. સૂચકાંકમાં તેનું વેઇટેજ ભલે ખૂબ જ સીમિત હોય, પરંતુ તે સીપીઆઇમાં 43%નું વેઇટેજ રાખનારા ફૂડ સેગમેન્ટનું સમગ્ર ગણિત બગાડી દે છે.
આરબીઆઇએ ટૉપ પર જાહેર કરેલા એક રિપોર્ટમાં તેની કિંમતોને કાબૂમાં રાખવાના ઉપાય પણ જણાવ્યા છે. કેન્દ્રીય બેંકે કહ્યું- આ પાક ઝડપથી ખરાબ થઈ જાય છે. તેથી તેને લાંબા સમય સુધી સ્ટોર નથી કરી શકાતા. માર્કેટોમાં ભાવ નક્કી કરવાની પદ્ધતિને વધુ પારદર્શી બનાવવાની જરૂર છે. 2023માં ગ્રાહકોને ટામેટા રૂ. 36.71 પ્રતિ િકલો પડ્યા. તેમાં ખેડૂતોને માત્ર રૂ.12.29 મળ્યા. બાકીના રૂ.24.42 વચેટિયાઓના ખિસ્સામાં ગયા.