દેશમાં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ નાણાકીય વર્ષ 2028 સુધીમાં $73 અબજના મૂલ્ય સાથે 1.09 કરોડ યુનિટ્સ પર પહોંચવાનો અંદાજ તાજેતરના ઇન્ડિયન બ્લૂ બૂક રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2023માં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ 51 લાખ યુનિટ્સ રહ્યું હતું. નાણાકીય વર્ષ 2023ના અંતે સ્થાનિક સેકન્ડ હેન્ડ કાર ઇન્ડસ્ટ્રીનું મૂલ્ય $32.44 અબજ નોંધાયું હતું.
રિપોર્ટ અનુસાર વ્યક્તિગત વ્યક્તિગત વાહન માટે વધી રહેલા પ્રાધાન્ય ઉપરાંત આવકમાં વધારો તેમજ વ્હીકલ રીપ્લેસમેન્ટની ટૂંકા ગાળાના ચક્ર જેવા પરિબળો પણ પ્રોત્સાહક નિવડ્યા છે. આ તમામ પરિબળોને કારણે પણ આગામી સમયમાં સેકન્ડ હેન્ડ કારના વેચાણને વેગ મળશે. કોવિડ-19 બાદ સેકન્ડ હેન્ડ કારનું વેચાણ વૈશ્વિક સ્તરે સર્વાધિક રહ્યું છે. ભારતમાં પણ વેચાણ સર્વાધિક રહ્યું હતું. સેકન્ડ હેન્ડ કારનો ગ્રોથ એ હવે સ્વીકારવાની વાસ્તવિકતા છે.
દેશની સેકન્ડ હેન્ડ કાર ઇન્ડસ્ટ્રી જે અત્યારે $32.44 અબજ છે તે નાણાકીય વર્ષ 2028 સુધીમાં $73 અબજ પર પહોંચવાનો અંદાજ છે. દેશનું યૂઝ્ડ કારનું માર્કેટ પહેલાથી જ ગતિશિલ અને આકર્ષક છે. અત્યારે તેનું માર્કેટ 50 લાખ યુનિટ્સ છે. નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં, તે 80 લાખ યુનિટ્સના વેચાણના સિમાચિહ્નને હાંસલ કરી શકે છે અને નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં તે વધુને વધુ ખરીદીના ટ્રેન્ડને કારણે 1 કરોડના જાદુઇ સિમાચિહ્ન સુધી પહોંચશે.