ICCએ નવા રેન્કિંગ જાહેર કરી દીધા છે. ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ઓલરાઉન્ડર્સનો દબદબો છે. આજે જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા નંબર-1 પર પહોંચી ગયા છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન બીજા અને અક્ષર પટેલ પાંચમા નંબરે છે. 1466 દિવસથી બોલિંગ રેન્કિંગમાં ટોચ પર રહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે બેસ્ટ બોલરનો તાજ ગુમાવ્યો છે. હવે ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન દુનિયાના નંબર-1 બોલર બની ગયા છે. તે બોલિંગ રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર બીજા સૌથી વધુ ઉંમરના બોલર બની ગયા છે. બોલિંગ રેન્કિંગમાં ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન બીજા અને રવીન્દ્ર જાડેજા 7 સ્થાનની છલાંગ સાથે નવમા સ્થાને પહોંચી ગયા છે.
એન્ડરસને 87 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ઇંગ્લિશ બોલર જેમ્સ એન્ડરસને 87 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. 40 વર્ષ અને 207 દિવસની ઉંમરે ટોચ પર પહોંચનાર એન્ડરસન 1936માં ઓસ્ટ્રેલિયાના ક્લેરી ગ્રિમેટ બાદ રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર સૌથી વધુ ઉંમરના બોલર છે. એન્ડરસન છઠ્ઠી વખત વિશ્વના નંબર-1 બોલર બન્યા છે. એન્ડરસનના 866 રેન્કિંગ પોઈન્ટ છે. જ્યારે પેટ કમિન્સ 858 પોઈન્ટ સાથે નંબર-3 પર આવી ગયા છે.