Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે ત્યારે હવે લોટનો ભાવ પણ સતત વધી રહ્યો છે. છૂટક લોટ રૂ.38-40 અને બ્રાન્ડેડ પેકમાં કિલોદીઠ રૂ.45-55ની કિંમતે વેચાઇ રહ્યો છે. જાન્યુઆરી, 2022ના ભાવ કરતાં તેમાં 40%નો વધારો જોવા મળ્યો છે. કોમોડિટી વિશ્લેષકો અનુસાર જો સરકાર સ્ટૉકમાં રહેલા ઘઉંને માર્કેટમાં નહીં ઠાલવે તો લોટની કિંમતમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે. વાસ્તવમાં, દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઘઉંની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે.


નિકાસ પર પ્રતિબંધ છતાં જાન્યુઆરીમાં ઘઉંની કિંમતમાં 7-10%નો વધારો થયો છે. ચાલુ સિઝન માટે MSP ક્વિન્ટલ દીઠ રૂ.2,125 છે. પરંતુ મંગળવારે ઇન્દોરમાં ઘઉંની કિંમત ક્વિન્ટલ દીઠ રૂ.3100ના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. દિલ્હીમાં ઘઉંનું વેચાણ રૂ.3,150 પર થઇ રહ્યું છે. જ્યારે દેશના અનેક હિસ્સામાં તે રૂ.3200ને આંબ્યું છે. તેની અસર માત્ર લોટ પર નહીં પરંતુ તેનાથી બનતી દરેક પ્રોડક્ટ્સની કિંમત પર જોવા મળી રહી છે.

બફર સ્ટૉકથી ઘઉં સરપ્લસ, તેમ છતાં ખુલ્લા માર્કેટમાં વેચાણ નહીં
ઓરિગો કોમોડિટીના સીનિયર મેનેજર ઇન્દ્રજીત પોલે જણાવ્યું કે સરકારની પાસે આ સમયે ગોડાઉનમાં અંદાજે 115 લાખ ટન ઘઉં છે. જે બફર સ્ટોકની મર્યાદા 74 લાખ ટનથી 41 લાખ ટન વધુ છે. મહિના પહેલા જ સરકારે સંકેત આપ્યા હતા કે સપ્લાય જાળવી રાખવા તેમજ કિંમતોને અંકુશમાં રાખવા માટે 20-30 લાખ ટન ઘઉંને છૂટક વેચવામાં આવશે. પરંતુ તેવું શક્ય બન્યું નથી.