આતંકવાદને પ્રોત્સાહન નહીં આપવાનાં ગાણાં ગાતા અમેરિકાએ ફરી એકવાર પાકિસ્તાનને ખુલ્લેઆમ આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આ વખતે અમેરિકાએ ભારતના વિરોધને અવગણીને પાકિસ્તાનને એફ-16 પેકેજ જાહેર કર્યું છે. અમેરિકન સેનેટના 30 દિવસના ફરજિયાત નોટિસ પિરિયડમાં કોઇએ વાંધો ના ઉઠાવતા પાકિસ્તાન માટે લાભદાયી આ ડીલનો માર્ગ મોકળો થઇ ગયો છે.
સાતમી સપ્ટેમ્બરે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે સેનેટ ફોરેન રિલેશન્સ કમિટી વતી યુએસ સંસદને સૂચના આપતા કહ્યું હતું કે, ફોરેન મિલિટરી સેલ્સ પ્રોગ્રામ હેઠળ બાઇડેન સરકાર પાકિસ્તાન સાથે સંરક્ષણ સોદો કરવા મક્કમ છે. આ અંગે સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના ચેરમેન અને સેનેટર રોબર્ટ મેન્ડીઝે 13 સપ્ટેમ્બરે સંસદમાં કહ્યું હતું કે હવે અમેરિકન સંસદ પાસે 30 દિવસ છે, જે સમયમાં તેઓ આ સોદાની સમીક્ષા કરી શકે છે.
હકીકત એમ છે કે બાઇડેન સરકારે પૂર્વ પ્રમુખ ટ્રમ્પનો પાકિસ્તાનને સુરક્ષાને લગતી મદદ નહીં કરવાનો નિર્ણય પલટાવ્યો હતો. એટલું જ નહીં, આ સોદાની સમીક્ષા કરવા અમેરિકન સંસદ પાસે 30 દિવસનો સમય હતો, જે ગાળામાં 100 સેનેટર પૈકી કોઇએ વાંધો ના ઉઠાવ્યો. આ સાથે જ અમેરિકા દ્વારા પાકિસ્તાનને 450 મિલિયન ડૉલરના પેકેજનો માર્ગ મોકળો થઇ ગયો છે.
આ નિર્ણય સામે ભારત સરકારે સવાલ પણ ઉઠાવ્યા છે. વિદેશમંત્રી એસ. જયશંકરે ગયા મહિને અમેરિકાના પ્રવાસ વખતે કહ્યું હતું કે અમેરિકાના પાકિસ્તાન સાથેના સંબંધથી બેમાંથી એક પણ દેશને ફાયદો નથી થયો. અમે એફ-16 વિમાનો માટેના 450 મિલિયન ડૉલરના પેકેજનો વિરોધ કરીએ છીએ. આ દરમિયાન બાઇડેન સરકારે દલીલ કરી હતી કે, પાકિસ્તાનનો એફ-16 પ્રોગ્રામ અમારી પાકિસ્તાન સાથેની સુરક્ષા સમજૂતીનો મહત્ત્વનો હિસ્સો છે.
જો પાકિસ્તાન એફ-16 વિમાનોના કાફલાને યોગ્ય રાખી શકશે, તો આતંકવાદ સામે લડવાની તેની હાલની અને ભવિષ્યની ક્ષમતા જળવાઇ રહેશે.