ગુજરાત વિધાનસભા- 2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે-સાથે વિધાનસભની 5 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ પાંચ વિધાનસભા બેઠકમાં પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વીજાપુરનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. આ પાંચેય બેઠકની આજે (4 જૂન, 2024)ના મતગણતરી પ્રક્રિયા યોજાઈ રહી છે. જો પેટાચૂંટણીમાં કોંગ્રેસ પોતાની બેઠકો પર જીત નહીં મેળવી શકે તો તેનું સંખ્યાબળ વિધાનસભામાં હજુ પણ ઘટી જશે અને સંખ્યાબળ 13 ધારાસભ્યનું થઈ જશે.
વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસમાંથી કનુ ગોહિલ ચૂંટણી મેદાને ઉતર્યા હતા. મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવી દેવામાં આવ્યો હતો. જોકે, ઉમેદવારી પરત ખેંચી લેનાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને ટેકો જાહેર કરી કોંગ્રેસને જીતાડવા માટેના પ્રયાસો શરૂ કર્યો હતો. બીજી બાજુ રાજકોટ લોકસભાના ભાજપાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો વિરૂધ કરવામાં આવેલા નિવેદનના કારણે રોષે ભરાયેલા વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય મતદારો દ્વારા પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી ચૂક્યા હતા. હવે વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોણ બાજી મારશે તે આજે સ્પષ્ટ થશે.