રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં 30-30 લોકો જીવતા ભૂંજાઇ જવાની ગોઝારી ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. રાજ્ય સરકારે સીટની રચના કરી સત્ય હકીકત બહાર લાવવાનો આદેશ કર્યો છે. ત્યારે સીટના વડા સુભાષ ત્રિવેદીએ તપાસ માટે વધુ બે મહિનાનો સમય માગ્યો છે. સુભાષ ત્રિવેદી બે મહિના બાદ નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે તેઓ સત્ય અને સ્પષ્ટ રિપોર્ટ સુપરત કરી નિવૃત્તિ મેળવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે સીઆઇડી ક્રાઇમના વડા સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં સીટની રચના કરી છે. આ ટીમે રાજકોટ આવી તપાસનો ધમધમાટ કરી ગણતરીની કલાકોમાં જ રાજ્ય સરકારને પ્રાથમિક રિપોર્ટ સુપરત કરી દીધો હતો અને આ રિપોર્ટના આધારે બે પોલીસ ઇન્સ્પેક્ટર, માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો અને મહાનગરપાલિકાના ઇજનેરો સહિત 7 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ સીટે રાજકોટના પૂર્વ કલેક્ટર અરૂણ મહેશ બાબુ, બે આઇપીએસ અધિકારી બલરામ મીણા તથા પ્રવીણ મીણા સહિત અનેક અધિકારીઓની અત્યાર સુધીમાં પૂછપરછ કરી છે.