રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલની માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ત્યાં સારવાર કરતી સગર્ભા મહિલાઓની માનસિક સ્થિતિ કેવી હશે તેનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વડા ડો.યોગેશ જોગસણે અભ્યાસ કરી તારણો રજૂ કર્યા છે. જેમાં આ ઘટનાની જાણ થયા બાદ આઘાત પામેલી સ્ત્રી કેવી સ્થિતિમાંથી પસાર થાય છે તેનો ચિતાર આપે છે. મનોવૈજ્ઞાનિક આઘાત સગર્ભા સ્ત્રીઓમાં માનસિક ફેરફારો લાવી શકે છે, જે તેમની માનસિક અને ભાવનાત્મક સ્થિતિને અસર કરે છે. માનસિક આઘાત માત્ર માતાના માનસિક સ્વાસ્થ્યને જ અસર કરતું નથી, પરંતુ તે ગર્ભના વિકાસ પર પણ નકારાત્મક અસર કરી શકે છે.
ચિંતા અને તણાવ: માનસિક આઘાત સગર્ભા સ્ત્રીમાં તણાવનું કારણ બની શકે છે. જેમ કે ભવિષ્યમાં શું થશે તેનો ડર, ડિલિવરી દરમિયાન મુશ્કેલીઓ, તણાવ હોર્મોનલ અસંતુલનનું કારણ પણ બની શકે છે.
ઉદાસી અને હતાશા: સગર્ભા સ્ત્રી ઉદાસી અને હતાશાનો ભોગ બની શકે છે. પરંતુ બાળકના જન્મ અને ઉછેરમાં પણ સમસ્યાઓ ઊભી કરી શકે છે.
પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD): આમાં, સ્ત્રી વારંવાર તે આઘાતજનક ઘટનાને યાદ કરે છે અને માનસિક તકલીફનો સામનો કરે છે.
આત્મસન્માનમાં ઘટાડો: આઘાત પછી, સગર્ભા સ્ત્રી આત્મસન્માન ગુમાવી શકે છે. તેણી લાચાર, દોષિત અથવા દોષપાત્ર અનુભવી શકે છે.આ પ્રકારની માનસિક સ્થિતિ બાળકની સંભાળ લેવામાં અનિચ્છા પણ પેદા કરી શકે છે.