ઓસ્ટ્રેલિયા પોતાની દેશની ચલણી નોટો પરથી બ્રિટિશ રાજાશાહીની તસવીરો હટાવશે. ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બેન્ક દ્વારા ગુરુવારે આ જાહેરાત કરવામાં આવી હતી. બેન્ક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ક્વીન અલિઝાબેથ 2ના નિધન પછી 5 ડૉલરની નોટ પરથી તેમની તસવીર હટાવવાની હતી અને તેમની જગ્યાએ કિંગ ચાર્લ્સની તસવીર લગાવવમાં આવવાની હતી. પરંતુ હવે તેવું નહીં થાય.
હકીકતમાં ઓસ્ટ્રેલિયાના બંધારણમાં રાજાશાહી પ્રણાલી છે અને તે પ્રમાણે બ્રિટેનના રાજા અથવા રાણી તેમના સંસદના વડા હોય છે. તે અંતર્ગત જ તેમની તસવીરો ઓસ્ટ્રેલિયાની બેન્ક નોટ્સ પર છાપવામાં આવે છે. 100 વર્ષ પછી આ પરંપરા તૂટશે.
કિંગ ચાર્લ્સની તસવીરને બદલે હવે ઓસ્ટ્રેલિયાના મોટા સ્થાનિક નેતાની તસવીર બેન્ક નોટ પર છાપવામાં આવશે. આ માટે બેન્કે સૂચનો પણ માગ્યા છે. સેન્ટ્રલ બેન્કે કહ્યું હતું કે, નવી ડિઝાઈન દ્વારા ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિ અને ઈતિહાસને ટ્રીબ્યુટ આપવામાં આવશે. તેમાં થોડા વર્ષો લાગશે. બેન્કે સરકાર સાથે વાત કર્યા બાદ આ નિર્ણય લીધો છે.