વડોદરા સહિત દેશના 15 જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે. એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો મેઈલ મળતાં એરપોર્ટ તંત્ર દોડતું થયું હતું. ‘એરપોર્ટમાં એક બોમ્બ છે, જે બ્લાસ્ટ થઇ જશે’ એવો ધમકીભર્યા ઈમેઈલ મળતાં સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.એરપોર્ટની અંદર બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.દરમિયાન એરપોર્ટ પર કંઈ પણ શંકાસ્પદ ન મળતાં એજન્સીઓ હાશકારો લીધો હતો.દરમિયાન ડીસીપી પન્ના મોમાયાએ વડોદરા એરપોર્ટને આજનો દિવસ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. મળતી માહિતી અનુસાર દેશના 15થી 20 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
વડોદરાના ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, આજે 11.42 વાગે વડોદરા એરપોર્ટ ઓથોરિટીની ઇ-મેઈલ મળ્યો હતો, જેમાં ધમકી હતી કે, એરપોર્ટમાં એક બોમ્બ છે, જે બ્લાસ્ટ થઇ જશે, જેને લઈને તાત્કાલિક એરપોર્ટ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી અને અમારી ટીમો દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં અમે વિવિધ ટીમો બનાવીને એરપોર્ટની અંદર સર્ચ કર્યું હતું. જેમાં વિવિધ બિલ્ડિંગ, રનવે અને પાર્કિંગ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ એરપોર્ટમાંથી કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. હાલ એરપોર્ટ એકદમ સુરક્ષિત છે અને તમામ ફ્લાઈટ રાબેતા મુજબ ચાલુ છે. સ્થાનિક પોલીસ, સીઆઈએસએફ, એરપોર્ટ ઓથોરિટી, એરલાઇન્સ અને આઇબી સહિતની એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આજના દિવસ માટે એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.