શહેરમાં પોલીસના ધજ્જિયા ઉડાડતા ગુનેગારો બેફામ બન્યા હોય તેમ બાઇકસવાર ત્રિપુટીએ આતંક મચાવી માત્ર અડધી કલાકમાં ત્રણ સ્થળે વેપારી સહિત ત્રણ વ્યક્તિને આંતરી છરીના ઘા ઝીંકી મોબાઇલ, રોકડની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે માલવિયાનગર, એ-ડિવિઝન અને તાલુકા પોલીસે લૂંટ સહિતનો ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા મથામણ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ન્યૂ માયાણીનગરમાં રહેતા ઓટો સ્પેરપાર્ટસનો ધંધો કરતા કાનજીભાઇ વલ્લભભાઇ ઠુંમર (ઉ.59) તા.18ના રોજ સાવરે 4.45 વાગ્યે તેને હળવદ જવાનું હોય તેના ઘરેથી બાઇક લઇને બસપોર્ટ જતા હતા ત્યારે આનંદ બંગલા ચોકથી મવડી બ્રિજ ચડતા હતા ત્યારે પાછળથી ટ્રિપલ બાઇકસવાર શખ્સોએ આવી તેને પૂછ્યું કે કેટલા વાગ્યા તો તેણે 4.45 જેવું થયું છે તેમ કહેતા જેથી બાઇકમાં બેઠેલા એક શખ્સે કાનજીભાઇના બાઇકની ચાવી બંધ કરી દેતા બાઇક બંધ થઇ ગયું હતું. જેથી તેને બાઇકની ચાવી ચાલુ કરી આ શખ્સોનો ઇરાદો ઠીક ન હોય તેનું બાઇક પાછુ વાળી લીધું હતું. જેથી આ ત્રણેય શખ્સોએ પાછળ આવી તેને આંતરી છરી બતાવી ધમકી આપી તેના પેન્ટના ખિસ્સામાંથી ધંધાના રહેલા રૂ.10 હજારની રોકડ ભરેલ પાકીટ લઇ નાસી જતા તેને પરત ઘરે આવી પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઇ વાળા સહિતના સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.