ચીનની સેના સતત તાઈવાનની સરહદમાં ઘૂસી રહી છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવાર અને સોમવાર વચ્ચે ચીનના 23 વિમાનો અને 7 નૌકાદળના જહાજોએ તેમની સરહદ પાર કરી હતી. તેમણે કહ્યું કે 23માંથી 19 એરક્રાફ્ટ તેમના ઉત્તર, દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વીય ક્ષેત્રોમાં ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન (ADIZ) પર પહોંચી ગયા છે.
આ પછી તાઈવાને ચીની સેના પર નજર રાખવા માટે પોતાના એરક્રાફ્ટ અને નેવલ જહાજો તૈનાત કર્યા છે. આમાં મિસાઈલ સિસ્ટમને પણ સક્રિય રાખવામાં આવી છે. તાઈવાનની સેનાએ કહ્યું કે તેઓ ચીની સેનાની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે.
તાઈવાનની સેના અનુસાર, રવિવારે પણ ચીનના 15 સૈન્ય વિમાન અને છ નૌકા જહાજો તેની સરહદની અંદર દેખરેખ કરી રહ્યા હતા. તાઈવાની સૈન્યએ જણાવ્યું હતું કે તેઓએ આ મહિનામાં અત્યાર સુધીમાં 324 વખત ચીની લશ્કરી વિમાનો અને 190 વખત નૌકાદળના જહાજોને ટ્રેક કર્યા છે.