ગુજરાતમાં ધનિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા હુરુન આઇઆઇએફએલ રિચ લિસ્ટ 2022માં 86 ગુજરાતીઓએ સ્થાન મેળવ્યું છે. હુરુન રિચ ઇન્ડિયામાં તેમને સ્થાન આપવામાં આવે છે જેમની સંપત્તિ એક હજાર કરોડથી વધારે હોય છે. આ લિસ્ટમાં આ વર્ષે 13 નવા ગુજરાતીઓ પણ જોડાયા છે. બિલિયોનર્સ ગુજરાતીઓની સંપત્તિમાં એક વર્ષમાં 70 ટકા વધારો થયો છે અને આ 86 ગુજરાતીઓની કુલ સંપત્તિનો આંકડો 15 લાખ કરોડથી પણ વધારે થઇ ગયો છે.
હુરુન ઇન્ડિયાના એમ.ડી. અનસ રહેમાન જુનૈદના જણાવ્યા મુજબ, અમીર ગુજરાતીઓની સંખ્યામાં 11 વર્ષમાં 17 ગણો વધારો થયો છે. 10 વર્ષ પહેલાં રિચ લિસ્ટમાં ગુજરાતમાં રહેતા લોકોની સંખ્યા 5 જ હતી જે વધીને આ વર્ષે 86 સુધી પહોંચી છે. રિલાયન્સના મુકેશ અંબાણી અને દિલીપ સંઘવી ગુજરાતી છે પણ તેમની ગણના મુંબઇમાં કરવામાં આવે છે. ગુજરાતમાં રહેતા સૌથી અમીર વ્યક્તિ તરીકે ગૌતમ અદાણી દેશના પણ સૌથી પહેલા ક્રમે છે.