ભારતીય ટીમે 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ BCCI તરફથી સેક્રેટરી જય શાહે ટીમ માટે 125 કરોડનાં ઈનામની જાહેરાત કરી હતી. જોકે હવે, ભારતીય ક્રિકેટ બોર્ડે આ 125 કરોડ રૂપિયા ટીમમાં કેવી રીતે વહેંચાશે તેની માહિતી સામે આવી છે. જે અનુસાર ટીમના દરેક 15 ખેલાડીઓ તથા ટીમને ચેમ્પિયન બનાવનાર હેડ કોચને 5-5 કરોડ રૂપિયા મળશે. આખા વર્લ્ડ કપમાં એકેય મેચ ના રમી શકનાર ત્રણેય ખેલાડી સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને યુઝવેન્દ્ર ચહલને પણ 5-5 કરોડ રૂપિયા મળશે. જ્યારે ટીમ સાથે જોડવામાં આવેલ રિઝર્વ પ્લેયર્સ- રિન્કુ સિંહ, શુભમન ગિલ, આવેશ ખાન અને ખલીલ અહમદને પણ 1-1 કરોડ રૂપિયા મળશે. રસપ્રદ વાત એ છે કે ગિલ અને આવેશ ખાન અમેરિકામાં યોજાયેલ લીગ રાઉન્ડ (જેમાં ભારતે 3 મેચ રમી હતી) બાદ જ ભારત પરત ફર્યા હતા.
જ્યારે કોચ દ્રવિડ સાથે સપોર્ટિંગ સ્ટાફમાં રહેલ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ અને બોલિંગ કોચ પારસ મહામ્બ્રેને 2.5-2.5 કરોડ મળશે. સિનિયર સિલેક્શન કમિટીના ચેરમેન અજિત અગરકર સહિત તમામ 5 સભ્યોને 1-1 કરોડ રૂપિયા મળશે. જ્યારે ટીમ સ્ટાફના અન્ય સભ્યોને પણ મોટી રકમ મળશે, જેમ કે- ટીમના 3 ફિઝિયોથેરાપિસ્ટ (કમલેશ જૈન, યોગેશ પરમાર, તુલસી રામ યુવરાજ), 3 થ્રૉ ડાઉન સ્પેશિયાલિસ્ટ (રાઘવિન્દ્ર દ્વગી, નુવાન ઉડનેકે, દયાનંદ ગરાની), 2 માલિશ કરનાર (રાજીવકુમાર અને અરુન કાનાડે) તથા સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ(સોહમ દેસાઈ)ને પણ 2-2 કરોડ રૂપિયા મળશે. વર્લ્ડ કપમાં જનાર ખેલાડીઓ સહિતના ભારતીય દળમાં કુલ 42 લોકો હતા. રિપોર્ટ્સ અનુસાર, ટીમ સાથે પ્રવાસ કરનાર BCCIના સ્ટાફ મેમ્બર જેમ કે- મીડિયા ઓફિસર અને લોજિસ્ટિક મેનેજર, વીડિયો એનાલિસ્ટ, સ્ટાફ મેમ્બર જેવા સભ્યોને પણ ઈનામ અપાશે.