ટીઆરપી અગ્નિકાંડમાં પૂર્વ ઈન્ચાર્જ ટીપીઓ સાગઠિયાની ભૂંડી ભૂમિકા સામે આવી છે. આ સાગઠિયા સાથે રાજકોટ ભાજપના આગેવાનો અને કોર્પોરેટરોએ અનેક ધંધા કર્યા છે. આ કોર્પોરેટર અને નેતાઓ પોતાની જાતને બિલ્ડર કહેડાવે છે પણ તે બિલ્ડર પણ ખોટા કામના ધંધાવાળા છે. આવા જ એક અગ્રણી ધંધાવાળાએ પોતાની બિલ્ડિંગ બનાવવા માટે રજપૂતપરાની આખી શેરી બંધ કરી દીધી છે. મનપાનો નિયમ છે કે, બાંધકામ મટિરિયલ રસ્તો તો શું ફૂટપાથ પર રાખી શકાય નહીં પણ જો રાખશે તો મનપા તમામ સામાન જપ્ત કરી દંડ કરશે. અહિં તો રસ્તામાં રાખવાનું તો દૂર શેરી બંધ અને મુખ્ય માર્ગ રોકીને રાખ્યો છે.
યાજ્ઞિક રોડ પર માલવિયા ચોક તરફ જતા જી.ટી. સ્કૂલ તરફ જમણી બાજુ વળતા રજપૂતપરા શરૂ થાય છે. આ રોડ પર જ કોર્નરમાં એક બિલ્ડિગ બાંધકામ થઈ રહ્યું છે. જેના સળિયા મુખ્ય માર્ગ પર જ રાખી દેવાયા છે જેને કારણે રોડ પર દબાણ થયું છે. પણ શેરી નંબર 1-અ તરફ નજર કરીએ તો બિલ્ડરે આખી શેરી જ બંધ કરી દીધી છે. રાજકોટ મહાનગરપાલિકાએ 6 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે, કોઇપણ બિલ્ડર ફૂટપાથ પર બાંધકામ મટિરિયલ રાખશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
અહિં ફૂટપાથ તો છે જ નહીં, રોડ અને આખી શેરી જ બંધ કરી દેવાઈ છે. સ્થળ પર ક્યાંય બિલ્ડરના નામનું બોર્ડ કે માલિકનું નામ નથી તેથી તપાસ કરતા આ બિલ્ડિંગમાં ભાજપના આગેવાન ભાગીદાર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. જેને લઈને એ જોવાનુ રહે છે કે મનપા પોતાના નિયમને વળગી રહીને લોકો માટે રસ્તા અને શેરી પરથી દબાણ દૂર કરી શેરી ખુલ્લી કરે છે કે પછી ધંધાવાળાના એજન્ટ બનીને આ બિલ્ડિંગ બનવા દેશે.