વિશ્વમાં ભારત સોનાનો બીજો સૌથી મોટો વપરાશકર્તા દેશ છે. એક તરફ સતત વધી રહેલી સોનાની કિંમતો અને બીજી તરફ આયાત પર 15 ટકા આકરી ડ્યૂટી છે જેના કારણે દેશમાં દાણચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં સોનાની ગેરકાયદે આયાત અનેક માધ્યમો દ્વારા થઇ રહી છે તાજેતરમાં સોનાની આયાત એલોય પ્રોડક્ટ મારફત કરવાનું પ્રમાણ વધ્યું છે કેમકે એલોય પ્રોડક્ટ પર માત્ર 5 ટકા જ આયાત ડ્યૂટી છે. આમ સોનાની દાણચોરીના કારણે સરકારને ચાલુ વર્ષે જ સરેરાશ રૂ.65000 કરોડનું નુકસાન થયું છે.
સોનાની ઉંચી આયાત ડ્યૂટી-સરકારને પતાસુ ખાવા કરતા બગાસું મળ્યું. થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ) એ જણાવ્યુ કે યુએઈમાંથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ મોટા પ્રમાણમાં કિંમતી ધાતુઓની આયાત કરવામાં આવી રહી છે. ભારત-યુએઈ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર હેઠળ હવે યુએઈથી 5% ડ્યુટી પર સોનાની આયાત કરી શકાય છે.પરંતુ આગામી 3 વર્ષમાં એલોયમાં 2% પ્લેટિનમ મિશ્રિત થવાની શરત સાથે ડ્યુટી ઝીરો થઈ જશે.FY24ના આયાત ડેટા પર નજર કરીએ તો CEPA હેઠળ સોના અને ચાંદીની ડ્યુટી ફ્રી આયાતને કારણે અંદાજિત વાર્ષિક આવકમાં રૂ.63,375 કરોડનું નુકસાન થયું છે.તેમણે કહ્યું કે આનાથી દેશના જ્વેલરી ઉદ્યોગ માટે પણ મુશ્કેલી ઊભી થશે. સ્થાનિક ગોલ્ડ ઇન્ડસ્ટ્રીઝ પર નકારાત્મક અસર પડી રહી છે.
AIJGFના નીતિન કેડિયાએ જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં પ્લેટિનમ એલોયની આયાત નોંધપાત્ર રીતે વધી છે, જેમાં વાસ્તવમાં 88% જેટલું સોનું છે. સોના પર આયાત ડ્યૂટી 15% છે, પરંતુ આવા એલોય પર તે 5% છે. આમાં ટેકનિકલી કંઈ ખોટું ન હોઈ શકે, પરંતુ આ ટેરિફ નિયમોને બાયપાસ કરવાની બાબત છે. તેના કારણે સરકારને પણ આવકનું નુકસાન થઈ રહ્યું છે.