પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગની રમતમાં બે-બે મેડલ મેળવી મનુ ભાકરે ઇતિહાસ રચતા દેશભરમાં તેમજ શૂટિંગ સાથે જોડાયેલા ખેલાડીઓમાં ખુશીની લહેર ફેલાઇ છે. ત્યારે 2021માં 8મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપની સિંગલ ટ્રેપ શોર્ટગન ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવનાર રાજકોટના નીલરાજ બી.રાણાએ ખુશીની સાથે સૌરાષ્ટ્ર માટે આ રમત પ્રત્યે ઉદાસીનતા વ્યક્ત કરી છે.
સર્ટિફાઇડ કોચ તેમજ શૂટિંગ ગેમ્સના રિસર્ચર નીલરાજે જણાવ્યું કે, ખેલ મહાકુંભ તેમજ રાજ્યમાં શૂટિંગની વિવિધ સ્પર્ધાઓ રમાતી હોવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શૂટિંગની રમતમાં અનેક ખેલાડીઓ આગળ આવ્યા છે. જેને કારણે હાલ 300થી વધુ ખેલાડીઓ પિસ્ટલ અને રાઇફલ શૂટિંગની તાલીમ મેળવી રહ્યાં છે. એક તરફ રમતગમતને વધુ પ્રોત્સાહન આપવા ચાલુ વર્ષમાં 767 કરોડની બજેટમાં જોગવાઇ કરી છે.
એટલું જ નહિ 2036ના ઓલિમ્પિકની ગુજરાત રાજ્યે દાવેદારી કરી બજેટમાં રૂ.376 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે, પરંતુ શૂટિંગની રમત માટે એક પણ આંતરરાષ્ટ્રીય સ્તરના શૂટિંગ રેન્જ નથી. જેથી સૌરાષ્ટ્રના ખેલાડીઓને અન્ય શહેરોમાં વધુ પ્રશિક્ષણ મેળવવા જવું પડી રહ્યું છે. તેમ છતાં રાજકોટના અનેક ખેલાડીએ રાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.