રાજકોટના રેસકોર્સના મેદાનમાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન યોજાતા ભાતીગળ લોકમેળામાં ખાણીપીણીના કોર્નરના 22 પ્લોટની બુધવારે હરાજી કરવામાં આવી હતી જેમાં જિલ્લા વહીવટી તંત્રને કુલ રૂ.30.35 લાખ ઉપજ્યા હતા. જ્યારે ગુરુવારે યાંત્રિક રાઇડ્સ, આઇસક્રીમના ચોકઠા અને ખાણીપીણીના એ કેટેગરીના સ્ટોલની હરાજી કરવામાં આવશે.
રાજકોટ શહેર પ્રાંત અધિકારી ચાંદની પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખાણીપીણી કોર્નરના પ્લોટ માટે રૂ.1 લાખ અપસેટ પ્રાઇસ રાખવામાં આવી હતી. ખાણીપીણીના કોર્નરના 22 પ્લોટ માટે હરાજી કરવામાં આવી હતી જેમાં 38 જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ હરાજી દરમિયાન સૌથી વધુ એક પ્લોટના રૂ.1.71 લાખ ઉપજ્યા હતા અને સૌથી ઓછા એક પ્લોટના રૂ.1.06 લાખ ઉપજ્યા હતા. ગુરુવારે યાંત્રિક રાઇડ્સ, આઇસક્રીમના 16 ચોકઠા અને એ કેટેગરીના ખાણીપીણીના 2 પ્લોટની હરાજી કરવામાં આવશે.