સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં તેની ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 23મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ને 2 રનથી હરાવ્યું હતું.
મંગળવારે મોહાલીના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબના કેપ્ટન શિખર ધવને ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 180 રન જ બનાવી શકી હતી.
SRHના નીતિશ કુમાર રેડ્ડીએ 37 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી. તેણે IPLમાં પોતાની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. અબ્દુલ સમદે 25 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ સિંહે 4 વિકેટ લીધી હતી. હર્ષલ પટેલને બે વિકેટ મળી હતી.
PBKS માટે શશાંક સિંહે અણનમ 46 અને આશુતોષ શર્માએ અણનમ 33 રન બનાવ્યા હતા. સેમ કરને 29 રન અને સિકંદર રઝાએ 28 રનનું યોગદાન આપ્યું હતું. SRH તરફથી ભુવનેશ્વર કુમારને બે વિકેટ મળી હતી.