અમેરિકી અર્થતંત્ર માટે મંદીનો ભય ટળતાં અને પોઝિટીવ સંકેતે આજે સપ્તાહના પ્રથમ દિવસે એશીયાના બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને યુટિલિટીઝ શેરો અને કોમોડિટીઝ શેરોની આગેવાનીએ શરૂઆતી તબક્કામાં ઉછાળો જોવા મળ્યો હતો, જો કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ઉછાળો ધોવાઇ અંતે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
વૈશ્વિક બજારોમાં અમેરિકામાં રિટેલ વેચાણના આંકડા સારા આવતાં અને મંદીનો ભય ટળ્યો હોવાના સંકેતે અમેરિકી શેરબજારોમાં ગત સપ્તાહેની તેજી પાછળ એશીયા, યુરોપના બજારોમાં રિકવરી રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.53% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.33% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, બેંકેકસ અને કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.