ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની અલ્કાપુરીમાં રહેતા વેપારી પરિવારની આઠ વર્ષની પુત્રી અને તેમના બહેન 8 દિવસથી ભેદી સંજોગોમાં લાપતા થઈ ગયા હતા. જે ઇન્દોરથી હેમખેમ મળી આવતા પરિવારજનો અને પોલીસે રાહત અનુભવી છે. જે કારમાં નીકળ્યા હતા તે છેલ્લે માધાપર ચોકડીએ દેખાઈ હતી. રેસકોર્સ નજીકથી છરીની અણીએ અપહરણ થયાની વાત પ્રાથમિક તબક્કે પોલીસને જણાવી છે, પરંતુ આ વાત પોલીસને ગળે ઉતરતી નથી.
ક્રાઇમ બ્રાન્ચની ટુકડી ફઈ-ભત્રીજીને રાજકોટ લાવવા ઇન્દોર પહોંચી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં યુવતીએ કહ્યું હતું કે, પોતાનું અપહરણ કરાયું હતું.બનાવની મળતી વિગત મુજબ, અલ્કાપુરીમાં રહેતા રિયાઝભાઈ ફિરોઝભાઈ માખાણીની આઠ વર્ષની પુત્રી અનાયા અને તેમના બહેન રીમાબેન ફિરોઝભાઇ માખાણી ગત તા.24ની રાત્રિના આઠેક વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. રીમાબેન તેમના ભાઇની કાર ચલાવતા હતા અને ભત્રીજીને તેમાં બેસાડી હતી.
પુત્રી અનાયા ફઇ રીમાબેન સાથે કારમાં આંટો મારવા ગઇ હશે તેવું પરિવારજનોને લાગ્યું હતું, પરંતુ લાંબો સમય વીતવા છતાંય ફઇ-ભત્રીજી પરત નહીં આવતાં માખાણી પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ફઇ ભત્રીજી ક્યાં છે અને શા માટે મોડું થયું તે જાણવા પરિવારના સભ્યોએ તે દિવસે ફોન કરતાં ફોન લાગ્યો હતો, પરંતુ ફોન રિસીવ થયો નહોતો અને ત્યારબાદ રીમાબેનનો મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયો હતો.
માખાણી પરિવારે પોતાના સંબંધીઓને ત્યાં ફોન કરીને અનાયા અને રીમાબેન આવ્યા છે કે કેમ તે અંગેની તપાસ કરી હતી, પરંતુ તમામ સ્થળેથી આ બંને અંગે કોઇ માહિતી નહીં મળતાં માખાણી પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બાદમાં જે કારમાં બંને નીકળ્યા હતા તે છેલ્લે માધાપર ચોકડીએ દેખાઈ હતી.