રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા. બંને નેતા યુક્રેન નેશનલ મ્યુઝિયમ પહોંચ્યા, જ્યાં તેમણે યુદ્ધમાં માર્યા ગયેલાં બાળકોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન તેમણે બાળકોના સ્મારક પર ઢીંગલી પણ મૂકી હતી.
આ પહેલાં મોદી 10 કલાકની ટ્રેનની મુસાફરી બાદ ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે કિવ પહોંચ્યા હતા. તેઓ અહીં 7 કલાક વિતાવશે. કિવમાં ભારતીય સમુદાયના લોકોએ મોદીનું સ્વાગત કર્યું. PMએ ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી.
પીએમ મોદી યુક્રેનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. યુક્રેનની સ્થાપના 1991માં સોવિયત સંઘના તૂટ્યા બાદ થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેન ગયા નથી.
પીએમ મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે, કારણ કે 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયન હુમલા બાદથી અત્યારસુધી નાટો દેશો સિવાય અન્ય કોઈ દેશના નેતાએ યુક્રેનની મુલાકાત લીધી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ થોડા મહિના પહેલાં પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું.