રાજકોટમાં કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે. રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં પૂજા કરતા કારખાનેદાર ઉપર છરી વડે હુમલો કરનાર આરોપી ભાવેશ ગોલની અટકાયત કરી એ ડિવિઝન પૂછપરછ કરી રહી હતી. આ દરમિયાન અચાનક ઉલ્ટી થવા લાગતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત જાહેર થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, કસ્ટોડિયલ ડેથ થતા હવે આરોપી ભાવેશ ગોલના મૃતદેહનું ફોરેન્સિક પોસમોર્ટમ કરાવી મોતનું સાચું કારણ જાણવામાં આવશે.
રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં પૂજા કરી રહેલા કારખાનેદાર પર ગત 20 ઓગસ્ટના રોજ ખૂની હુમલો કરવાના કેસમા આરોપી ભાવેશ ગોલ (ઉ.વ.48) ની રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જેની પોલીસ દ્વારા પુછપરછ પણ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક આરોપી ભાવેશ ગોલને ઉલ્ટી થતા બેભાન થઇ ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોસ્પિટલમાં હાજર ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ તેમજ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા ડીસીપી તેમજ ACP કક્ષાના અધિકરીઓ દોડી આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં બનેલ કસ્ટોડિયલ ડેથ મામલે હવે આરોપી ભાવેશ ગોલના મૃતદેહનું ફોરેન્સિક પોસમોર્ટમ કરાવી મોતનું સાચું કારણ જાણવામાં આવશે.