યુક્રેનને રશિયામાં લાંબા અંતરની એટેક મિસાઈલનો ઉપયોગ કરવાની પરવાનગી મળી શકે છે. CNN અનુસાર, અમેરિકા અને બ્રિટન આ અંગે વિચાર કરી રહ્યા છે. અત્યાર સુધી તેના પર પ્રતિબંધ હતો, પરંતુ યુક્રેન પરનો આ પ્રતિબંધ હવે દૂર થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, આવા હથિયારોના ઉપયોગની મંજૂરી આપવાનો અર્થ એ થશે કે નાટો રશિયા વિરુદ્ધ યુદ્ધમાં ઉતરી ગયું છે. તેણે કહ્યું કે જો આવું થશે તો તે ચોક્કસપણે તેનો જવાબ આપશે.
પુતિને એક સરકારી ટીવી ચેનલ પર કહ્યું કે, આનાથી ઘણો બદલાવ આવશે. આ હથિયારોનો ઉપયોગ સેટેલાઇટ વિના શક્ય નથી. યુક્રેન પાસે આવી ટેક્નોલોજી નથી. આ માત્ર યુરોપિયન યુનિયન સેટેલાઇટ અથવા અમેરિકન સેટેલાઇટની મદદથી જ કરી શકાય છે.
પુતિને વધુમાં કહ્યું કે, આ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે માત્ર નાટોના સૈન્ય કર્મચારીઓને જ તાલીમ આપવામાં આવે છે. યુક્રેનિયન સૈનિકો આ કરી શકતા નથી. તેથી સવાલ એ નથી કે યુક્રેનિયનોને આ શસ્ત્રો સાથે રશિયા પર હુમલો કરવાની મંજૂરી આપવી કે નહીં. નાટો સામેલ છે કે નહીં તે નક્કી કરવાનું તેમના પર છે.