હવે ડ્રગ્સના વેપલા અંગેની કોઈ પણ માહિતી ટૉલ-ફ્રી નંબર 1933 પર આપી શકાશે. આ હૅલ્પલાઇન 24 કલાક ચાલુ રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે રાષ્ટ્રીય નાર્કોટિક્સ હૅલ્પલાઇન ‘માનસ’ની શરૂઆત કરાવી હતી. માનસનો અર્થ ‘માદક પદાર્શ નિષેધ સૂચના કેન્દ્ર’ કે માદક પદાર્થ નિષેધ ગુપ્ત કેન્દ્ર થાય છે.
‘માનસ’ હેઠળ વેબ પોર્ટલ અને મોબાઇલ એપ પણ શરૂ કરાઈ છે. તેના પર કોઈ પણ નશીલી દવા સંબંધિત ગુનાની માહિતી આપી શકાશે અને પુનર્વસન-સલાહ અંગે મદદ પણ માગી શકાશે. આ અંગેની તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
અમિત શાહે કહ્યું હતું કે ડ્રગ્સનો વેપાર હવે નાર્કો ટેરર સાથે જોડાઈ ગયો છે. છેલ્લાં 10 વર્ષમાં 22 હજાર કરોડ રૂપિયાની કિંમતનું 5,43,000 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું છે. ડ્રગ્સની તસ્કરી હવે એક મલ્ટિલેયર્ડ ગુનો બની ગઈ છે અને તેની સામે આપણે ખડેપગે રહેવું પડશે.