ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બની ગયા છે. BCCIના સેક્રેટરી જય શાહે મંગળવારે જાહેરાત કરી. 42 વર્ષના ગંભીરે ધ વોલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડનું સ્થાન લીધું છે.
T20 વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો. ગંભીરનો કાર્યકાળ જુલાઈ 2027 સુધી ચાલશે.
ગંભીરે દોઢ મહિના પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સને આઈપીએલ-2024માં ચેમ્પિયન બનાવ્યું હતું. તેઓ આ વર્ષે કોલકાતા ફ્રેન્ચાઈઝીના મેન્ટર બન્યા હતા. આટલું જ નહીં, તેમની મેન્ટરશિપ હેઠળ ગંભીર લખનઉ સુપર જાયન્ટ્સને સતત બે સિઝનમાં પ્લેઓફમાં લઈ ગયા હતા.
IPL 2024ની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ESPNના અહેવાલ પ્રમાણે, ગંભીર ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના સભ્યોને મળ્યા હતા.
આ સમિતિમાં અશોક મલ્હોત્રા, જતીન પરાંજપે અને સુલક્ષણ નાયક જેવા ભૂતપૂર્વ ક્રિકેટરો હતા. કોચ માટેની અરજીઓ સબ્મિટ કરવાની છેલ્લી તારીખ 27મી મે હતી. BCCI લાંબા સમયથી ભારતીય ટીમ માટે કોચની શોધ કરી રહ્યું હતું, કારણ કે ટીમના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થયો હતો.